અમદાવાદમાં ગરબા મહોત્સવમાં ગાયક જીગરદાન ગઢવી અને આયોજક સાચી ઈવેન્ટ્સની મનમાની સામે આવી છે.જ્યાં ફાયર વિભાગે NOC ન હોવા અંગે, ઓપન વાયરિંગ અને વહારે પડતા થર્મોકોલ જેવા સુરક્ષાના ગંભીર મુદ્દે સોલા પોલીસને બપોરે 4 વાગ્યા સુધી તપાસ કરી લેખિત જાણ કરી હોવા છતાં કોઈ પણ ડર વગર લોકોના જીવ જોખમમાં મૂકીને ગરબા યોજાયા હતા.આ સમગ્ર ઘટનામાં ગુજરાત ટુરિઝમ એસોસિએટ પાર્ટનર હોવા છતાં તંત્રના મૌન સામે સવાલો ઉઠ્યા છે કે આખરે કોના આશીર્વાદથી આટલી મોટી બેદરકારી દાખવવામાં આવી અને જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત.

ગરબા આયોજનો માટે કુલ 105 અરજીઓ મળી 

ગઈકાલથી નવરાત્રિ પર્વનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ અમદાવાદમાં ખેલૈયાઓને ગરબે ઘૂમાવવા માટે આયોજિત કરાયેલા અનેક મોટા ગરબા મહોત્સવો શરૂઆતના દિવસે જ હજૂ પણ મંજૂરીની પ્રક્રિયા ચાલુ જ છે.એસજી હાઈવે, એસપી રિંગ રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં ક્લબો અને પાર્ટી પ્લોટ ખાતે યોજાતા ગરબા આયોજનો માટે કુલ 105 અરજીઓ મળી હતી જેમાંથી રવિવાર સાંજ સુધીમાં 55 અરજીઓ જ મંજૂર કરાઈ છે. 6 અરજીને રિજેક્ટ કરાઈ હતી.નિયમ મુજબ જ્યાં સુધી ફાયર વિભાગની NOC ન મળે ત્યાં સુધી પોલીસ કમિશનર દ્વારા નવરાત્રિના આયોજનની આખરી મંજૂરી આપવામાં આવતી નથી. 

ધોરણો પૂરા ન કરનાર આયોજકોની અરજીઓ પેન્ડિંગ

મોટાભાગના આયોજકો દ્વારા ફાયર વિભાગના સુરક્ષા નિયમો મુજબની કામગીરી સમયસર પૂર્ણ ન કરાતા મંજૂરી અટવાઈ છે.મહત્વનું છે કે મંજૂરી માટે આવેલી અરજીઓમાં ગરબાના અલગ અલગ દિવસો રખાયા છે.પ્રિ-નવરાત્રિથી લઈને છેક પૂનમ સુધીના ગરબાની પણ કેટલાક સ્થળોએ મંજૂરી માંગી છે.ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષાના ધોરણો પૂરા ન કરનાર આયોજકોની અરજીઓ પેન્ડિંગ રાખી છે. દરેક ગરબાની સ્થળ તપાસ કરી મંજૂરી આપવામાં આવશે. એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર હજુ 40 ટકા આયોજનોની મંજૂરી બાકી છે.તંત્ર દ્વારા ઝડપી પ્રક્રિયા હાથ ધરાઈ છે જેથી ખેલૈયાઓ કોઈપણ અડચણ વગર ગરબાનો આનંદ માણી શકે.

સાયન્સસિટી પરના એસી ડોમમાં NOC વગર ગરબા યોજાયા

પોલીસ અને ફાયરના નિયમો મુજબ જે ગરબા આયોજકોએ જરૂરી નિયમોનું પાલન કરીને એનઓસી મેળવી હશે તેમને જ ગરબા રમાડવાની છુટ અપાય છે પણ મળતી માહિતી અનુસાર સાયન્સ સિટી રોડ પર આવેલા એક એસી ડોમ ગરબાના આયોજકોએ ફાયર-પોલીસની એનઓસી લીધી નહી હોવા છતાંય એક દિવસના ગરબા યોજાયા હતા. ફાયર વિભાગની ટીમ ૪ વાર આયોજન સ્થળે ચેકિંગ માટે ગઈ હોવા છતાંય જરૂરી પગલા લીધા નહોતા. આટલી મોટી બેદરકારી દાખવી હોવા છતાંય હજૂય પોલીસ કે ફાયર વિભાગ દ્વારા આયોજક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી. રખેને કોઈ મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ તેને લઈને તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.