નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની લેખિત ધમકી મળતાં સમગ્ર પરિસરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં જ આજે ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. સ્પોર્ટ્સ ક્લબની ઘટનામાં ધુરંધર મૂવી જોઈને બાળકે બોમ્બની ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે. 

લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી

સ્પોર્ટ્સ ક્લબના કર્મચારીઓને ચેકિંગ દરમિયાન રૂમ નંબર 119માં આવેલા એક લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી હતી.આ ચિઠ્ઠીને ખોલીને વાંચતા જ સ્ટાફના હોશ ઉડી ગયા હતા.કારણ કે તેમાં ક્લબને બોમ્બથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ક્લબના સંચાલકોએ મોડું કર્યા વિના આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી.પોલીસ દ્વારા ક્લબના ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમજ લોકર સુધી આ ચિઠ્ઠી કોણે પહોંચાડી તે જાણવા માટે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતાં. 

પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો

આ ઘટનામાં હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી ધુરંધર ફિલ્મ પરથી પ્રેરણા લઈને સુરતના એક વેપારીના 12 વર્ષના પુત્રએ મજાક કરવા આ ચિઠ્ઠી લખી હતી. તેણે ધુરંધર મૂવી જોયા બાદ પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો હતો. સ્પોર્ટ્સ ક્લબની જે રૂમમાંથી ચિઠ્ઠી મળી તે રૂમમાં 3 વિદેશી વેપારીઓ રોકાયા હતા. ચિઠ્ઠીમાં લશ્કર એ તોયબા તેમજ દાઉદનો ઉલ્લેખ કરાયો હતો. આ બાળકે પત્ર લખીને લોકરમાં મુક્યો હતો અને આખરે લોકરમાં જ રહી ગયો હતો. હાઉસકિપિંગ સ્ટાફે જ્યારે રૂમની અંદર કામગીરી કરી ત્યારે આ લેટર મળી આવ્યો હતો.  

આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી