દક્ષિણ ગુજરાતના મુસાફરો,દૈનિક અપ-ડાઉન કરતો વર્ગ તેમજ વેપારીઓ માટે આગામી ગાંધી જયંતી ડબલ ખુશખબર લઈને આવી રહી છે.સુરતથી રાજસ્થાનના પ્રવાસન ધામ ઉદયપુર સિટી વચ્ચે નવી સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ-સુરત વચ્ચે નવી દૈનિક મેમુ ટ્રેન શરૂ કરવાની દિશામાં રેલવે બોર્ડ મંજૂરીની મહોર લગાવી દીધી છે.જોકે,રેલવે તંત્ર તરફથી હજુ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી,પરંતુ આગામી બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના પાવન અવસરે સુરતથી આ બંને ટ્રેનોને લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવવા માટે રેલવે પ્રશાસને યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારબાદ ત્રીજી ઓક્ટોબરથી આ બંને ટ્રેન સંભવત રૂટિન દોડાવાશે.

વડોદરા અને અસારવા ખાતે વોટરિંગની સુવિધા

સુરત અને રાજસ્થાન વચ્ચે વેપાર અને પર્યટન ક્ષેત્રે મહત્વની સાબિત થનારી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં.20903/20904) 8 કોચના રેક સાથે દોડાવાશે.આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે અને મંગળવારે તેનું સંચાલન બંધ રહેશે.ટ્રેન નંબર 20903 સુરતથી સવારે 6.10 વાગ્યે રવાના થશે.જે બપોરે 3.35 કલાકે ઉદયપુર પહોંચશે.પરત ફરતી વખતે ટ્રેન નંબર 20904 ઉદયપુર સિટીથી રાત્રે 11.00 વાગ્યે નીકળી બીજા દિવસે સુરત આવી પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, મહિસાગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવરે સ્ટેશને કમર્શિયલ સ્ટોપેજ મળશે.આ ઉપરાંત પ્રાથમિક મેન્ટેનન્સ ઉદયપુર ખાતે થશે, જ્યારે વડોદરા અને અસારવા ખાતે વોટરિંગની સુવિધા કરાશે.

મુસાફરોની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ

બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક પટ્ટામાં રોજેરોજ અપ-ડાઉન કરતા હજારો મુસાફરોની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ છે.રેલવે દ્વારા ટ્રેન નંબર 90178 વલસાડ-સુરત દૈનિક મેમુ ટ્રેન પણ બીજી ઓક્ટોબરથી દોડાવવા નિર્ણય લેવાયો છે.આ ટ્રેનની રેક 69139 બોરીવલી-વલસાડ મેમુ સાથે લિંક કરાશે અને પ્રાથમિક મેન્ટેનન્સ વડોદરા ખાતે થશે.આ ટ્રેન બપોરે 1.20 વાગ્યે વલસાડથી ઉપડશે અને સાંજે 4.40 વાગ્યે સુરત પહોંચશે.તેમજ માર્ગમાં ડુંગરી, જોરાવાસણ, બીલીમોરા, અમલસાડ, અંચેલી, વેડછા, ગાંધી સ્મૃતિ, નવસારી, મરોલી, સચિન, ભેસ્તાન અને ઉધના એમ તમામ મહત્ત્વના સ્ટેશનો પર થોભશે.નવી મેમુ ટ્રેનથી દક્ષિણ ગુજરાતના નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને કારીગરો માટે સફર વધુ ઝડપી અને સસ્તી બનશે. બીજી ઓક્ટોબરના પ્રારંભિક કાર્યક્રમ માટે સ્થાનિક રેલવે પ્રશાસને તડામાર પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live: દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ મેઘરાજાની સાર્વત્રિક મહેર થશે