આણંદના પૂર્વ અધિક કલેક્ટર અને સસ્પેન્ડેડ GAS એટલે કે ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસના અધિકારી કેતકી વ્યાસની કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત ના કેસમાં વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની સંયુક્ત કાર્યવાહી અંતર્ગત શહેરના શેલા વિસ્તારમાં આવેલા તેમના બહેનના ઘરેથી કેતકી વ્યાસની અટકાયત કરવામાં આવી હતી.પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને આગળની તપાસ માટે એસીબીને સોંપ્યા છે.આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે તેમને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. 

સાબરમતી જેલમાં મોકલવા કોર્ટનો આદેશ

અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી કેતકી વ્યાસની ધરપકડ કર્યા બાદ સ્પેશિયલ ACB કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.જેના આધારે કોર્ટના જેલ વોરંટ સાથે તેમને સાબરમતી જેલ મોકલી દેવાયા છે.સમગ્ર તપાસ મુખ્યત્વે દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત હોવાથી ACB દ્વારા કેતકી વ્યાસના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી.કાર્યવાહી દરમિયાન કેતકી વ્યાસની પ્રત્યક્ષ હાજરીમાં જ સીલ કરાયેલો ફ્લેટ ખોલીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ફ્લેટ સંબંધિત જરૂરી પ્રશ્નો અંગે તેમની હાજરીમાં જ પૂછપરછ પૂર્ણ કરી લેવામાં આવી હતી.દસ્તાવેજી તપાસ જ બાકી હોવાથી તંત્ર દ્વારા રિમાન્ડની જરૂર ન જણાતાં તેમને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ

એસીબીના નાયબ નિયામક હરેષ મેવાડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેતકી વ્યાસ સામેની ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી નામેંજૂર કર્યા બાદ આ એક્શન લેવાયા છે. વર્ષ 2023માં આણંદના તત્કાલીન નિવાસી કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ હતી. એસીબીની તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ એટલે કે રૂ. 3.56 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. વર્ષ 2001ની બેચમાં જોડાયેલા અને 2005માં કલેક્ટર બનેલા કેતકી વ્યાસને 2012 થી 2023 દરમિયાન પગાર પેટે રૂ. 78 લાખ મળ્યા હતા, જેની સામે તેમની પાસે રૂ. 5.17 કરોડથી વધુની સંપત્તિ અને રોકાણો સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા