કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદી વિરૂદ્ધ આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતમાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બીજી તરફ આવતીકાલે ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભાજપના પ્રદેશ પ્રભારી પણ ગુજરાત આવી ચૂક્યા છે. તેમની આગેવાની હેઠળ ભાજપ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષની સતત હાર થઈ રહી છે
ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની સતત હાર થઈ રહી છે અને જનતા તેમને સ્વીકારતી નથી કે વોટ પણ આપતી નથી.તેનું જ પરિણામ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે વડાપ્રધાનના પિતા વિશે આવી અભદ્ર ભાષા બોલ્યા છે.કોંગ્રેસે ભારતના વીરોથી લઈને દેશની સેવા કરતા વડાપ્રધાન મોદીના સ્વર્ગીય માતા અને પિતાને અપશબ્દો કહ્યા છે, જેને દેશની પ્રજા ક્યારેય માફ નહીં કરે.રાહુલ ગાંધી અને ખડગે હેબિટ્યુઅલ ઓફેન્ડર બની ચૂક્યા છે.અગાઉ ઑપરેશન સિંદૂર વખતે પણ આ નેતાઓએ સેના વિરુદ્ધ પાકિસ્તાનની ભાષા બોલી હતી.
વિદેશી આકાને ખુશ કરવા ટૂલકિટની જેમ રમી રહ્યા છે
કોંગ્રેસે દેશના વિકાસ વિશે સવાલો ઊભા કરવાનો નવો એજન્ડા બનાવીને અરાજક તત્વોને બળ આપવાનું કામ કર્યું છે.રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશના સર્વોચ્ચ ન્યાયાલયને આદેશ આપનારા કોણ છે? તેમણે દેશના લોકતંત્રનું ઘોર અપમાન કર્યું છે. વધુમાં પ્રહાર કરતાં તેમણે કહ્યું કે બધાને અપમાનિત કરવાનો આ ખેલ રાહુલ ગાંધી પોતાના વિદેશી આકાને ખુશ કરવા ટૂલકિટની જેમ રમી રહ્યા છે.આ માટે રાહુલ ગાંધી અને ખડગેએ સાર્વજનિક રીતે દેશની માફી માંગવી જોઈએ.કોંગ્રેસ પાર્ટી આજે એક એક્સપાયર ઇન્જેક્શનની જેમ કામ કરી રહી છે.
ભાજપ પહેલાં કરતાં વધુ બેઠકો જીતશે
કોંગ્રેસ પક્ષ જેટલી મરજી હોય તેટલું રાહુલ ગાંધીનું રી-લોન્ચિંગ કરે તો પણ દેશ તેમને ક્યારેય સફળ થવા દેશે નહીં.દેશની સેવા કરતા પીએમ મોદીના સ્વર્ગીય માતા-પિતા વિશે વાપરેલી અભદ્ર ભાષા માટે રાહુલ અને સમગ્ર કોંગ્રેસે દેશની માફી માંગવી જ પડશે. સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે આવતીકાલે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદયાત્રામાં ઉપસ્થિત રહેશે.જ્યારે રાજકોટમાં યોજાનારી પદયાત્રામાં પોતે તરુણ ચુઘ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે.આ ઉપરાંત નેતા પ્રતિપક્ષના આક્ષેપો પર પલટવાર કરતાં તેમણે જણાવ્યું કે વિપક્ષ પોતાની સીટની પેટી બાંધી લે, ચૂંટણીઓ સમય પર જ થશે અને ભાજપ પહેલાં કરતાં વધુ બેઠકો જીતશે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને, પેટ્રોલ ડીઝલમાં રાહત કે પછી વધારો ઝીંકાયો?