અમદાવાદની બહારથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. નર્મદા કેનાલના બે અલગ-અલગ વિસ્તારોમાંથી આ બંને મૃતદેહો મળી આવ્યા છે. જેમાં પ્રથમ લાશ કેનાલના જમીયતપુરા ગામની હદ પાસેથી મળી આવી હતી, જ્યારે બીજી લાશ ખોરજ ગામની સીમ નજીક વહેતી કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. એક જ દિવસમાં બે લાશ મળતાં તંત્ર પણ દોડતું થયું છે.

સ્થાનિક લોકોએ પોલીસને કરી જાણ

આ કરુણ ઘટનાની વિગત એવી છે કે, કેનાલ પાસેથી પસાર થતા સ્થાનિક રાહદારીઓને પાણીમાં કંઈક શંકાસ્પદ તરતું હોવાનું માલૂમ પડ્યું હતું. લોકોએ નજીક જઈને જોતાં જ યુવકોના શબ હોવાની પુષ્ટિ થઈ હતી, જેને પગલે તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ મથકને આ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢીને કિનારે લાવવામાં આવ્યા હતા. બંને મૃતકો યુવાન વયના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.

હત્યા કે આત્મહત્યા? પોલીસે તપાસ તેજ કરી

પોલીસે બંને યુવકોના શબની ઓળખ વિધિ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આસપાસના પોલીસ સ્ટેશનોમાં તાજેતરમાં નોંધાયેલી ગુમ વ્યક્તિઓની યાદી સાથે આ બંને યુવકોના વર્ણનને મેળવવામાં આવી રહ્યું છે. આ મામલો આત્મહત્યાનો છે, અકસ્માતે ડૂબી જવાનો છે કે પછી કોઈએ હત્યા કરીને પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને કેનાલમાં ફેંકી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સત્ય હકીકત જાણવા માટે બંને મૃતદેહોને PM અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો