અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અણઘડ કામગીરી અને આયોજનના અભાવનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. શહેરમાં કરોડો રૂપિયાના અધધ ખર્ચે સતાધાર બ્રિજનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ તેના નીચેથી પસાર થતા અત્યંત મહત્વપૂર્ણ સર્વિસ રોડ બનાવવાનું તંત્ર સાવ ભૂલી જ ગયું હોય તેમ લાગે છે. બ્રિજ બની જવા છતાં સ્થાનિક વાહનચાલકો માટે સર્વિસ રોડની યોગ્ય સુવિધા ન ઊભી કરાતાં મનપાની કામગીરી સામે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
મસમોટા ખાડાથી અકસ્માતનો ભય
હજુ તો ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ પડતાં જ બ્રિજ નીચેનો આખો રસ્તો ધોવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં આંતરિક રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ તૂટેલા રસ્તાના કારણે રોજેરોજ નાના-મોટા અકસ્માતો સર્જાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી પાણી ભરાવાને કારણે ખાડા ન દેખાતાં વાહનચાલકો પટકાવાના બનાવો બની રહ્યા છે.
