અમદાવાદ શહેરને મેગા સિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્માર્ટ ગણાતી આ સિટીમાં નવા સત્તાધીશોએ જબરદસ્ત પ્રિ મોન્સૂન કામગીરીના દાવા કર્યા હતાં. પરંતુ પહેલા જ વરસાદે તેમના દાવાની પોલ ખોલી નાંખી હતી. આ ખોખલા દાવાઓ દર વર્ષે સત્તાધીશોની પોલ ખોલતા આવ્યા છે. બીજી તરફ વિકાસની કામગીરીના દાવા વચ્ચે શહેરમાં ખાડારાજ પણ સામે આવ્યું છે. શહેરમાં સતત ચાલી રહેલી કામગીરીને કારણે લોકોને ભોગ બનવું પડ્યું છે. શહેરમાં વરસાદ થયા બાદ ત્રણ યુવાનો ડ્રેનેજ લાઈનમાં પડ્યા હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં 3 યુવાનો ડ્રેનેજ લાઇનમાં પડ્યા
અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજ પાસે ડ્રેનેજ લાઇનના ખોદકામની કામગીરી દરમિયાન આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ખોદકામ ચાલતું હતું તે સમયે અચાનક ત્રણ યુવાનો ડ્રેનેજ લાઇનમાં ખાબક્યા હતા. જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
