અમદાવાદ શહેરમાં ૧૬ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 16 કિલોમીટર લાંબી ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાફિક સુચારુ રહે અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી મુખ્ય રૂટ બંધ કરીને વાહનચાલકો માટે અનેક વૈકલ્પિક માર્ગો અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા હતા. નાગરિકોએ પણ પોલીસની સૂચનાઓનું પાલન કરીને આ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કર્યો હતો.
પોલીસની સૂચનાઓનું પાલન કરીને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કર્યો
પરંતુ, સામાન્ય દિવસોમાં આ વૈકલ્પિક માર્ગોમાંથી કેટલાક પ્રતિબંધિત અથવા વન-વે હોવાના કારણે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મુકાયેલી ઓટોમેટિક કેમેરા સિસ્ટમે (ANPR & ITMS) નિયમભંગ ગણીને આપોઆપ ચલણ જનરેટ કરવાનું શરૂ કરી દીધું હતું.
ટેકનિકલ ભૂલથી 18 લાખથી વધુના ચલણ બન્યા
ઓટોમેટિક કેમેરા દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નો-એન્ટ્રી, નો પાર્કિંગ અને સ્ટોપ લાઈન વાયોલેશન જેવા નિયમો હેઠળ કુલ 1,855 વાહનચાલકોને રૂ. 18 લાખથી વધુની કિંમતના ઈ-ચલાન મોબાઈલ પર મેસેજ રૂપે મળી ગયા હતા, જેને લઈને વાહનચાલકોમાં ભારે મૂંઝવણ સર્જાઈ હતી.
ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા સમીક્ષા કરવાનો આદેશ
આ બાબત ધ્યાને આવતાં જ અમદાવાદ પોલીસ કમિશનર અને જોઈન્ટ ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખા દ્વારા 16 જુલાઈના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે માત્ર મુખ્ય રથયાત્રા જ નહીં, પરંતુ ઈસ્કોન, મણિનગર, વસ્ત્રાપુર, નારણપુરા, રાણીપ, ચાંદલોડિયા, સોલા, વેજલપુર, સરખેજ, અને ઈસનપુર સહિતના વિસ્તારોમાં યોજાયેલી સ્થાનિક રથયાત્રાઓ અને ધાર્મિક શોભાયાત્રાઓ દરમિયાન પણ ટ્રાફિક ડાયવર્ઝનના કારણે જ વાહનચાલકોએ આ રૂટ લીધા હતા. પરિણામે, પોલીસે ઉદાર અભિગમ દાખવીને આ તમામ 1,855 ઈ-ચલાન સંપૂર્ણપણે રદ્દ કરી દીધા છે, જેથી પ્રજાને ખોટો દંડ ભરવો પડશે નહીં.
આ પણ વાંચો: Ahmedabad: વિરમગામમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, અનેક સોસાયટીઓ અને રસ્તાઓ હજુ પાણીમાં ગરકાવ