ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર 15 જુલાઈની મધરાતથી જ સમગ્ર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી રૂટ પરના તમામ મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર માટે સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ કડક ટ્રાફિક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જમાલપુર, સરસપુર અને કાલુપુર સહિતના આ મુખ્ય માર્ગો રહેશે બંધ

જાહેરનામા અનુસાર, 15 જુલાઈની વહેલી સવારથી જ જમાલપુર પોલીસ ચોકીથી ખમાસા તરફનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવાશે.રથયાત્રાના પરંપરાગત રૂટમાં આવતા જમાલપુર, આસ્ટોડિયા, ખાડિયા, કાલુપુર, સરસપુર, દિલ્હી દરવાજા, શાહપુર, ત્રણ દરવાજા, પાનકોર નાકા તેમજ માણેકચોક અને ગોળલીમડા તરફના તમામ મુખ્ય માર્ગો સામાન્ય વાહનચાલકો માટે બંધ રહેશે.કટોકટીની સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ફરજ પરના અધિકૃત સરકારી વાહનોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વાહનચાલકો માટે ખાસ ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગોની યાદી

શહેરીજનોને હાલાકી ન પડે તે માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં વાહનચાલકો રાયખડ-રિવરફ્રન્ટ, ગીતામંદિર રોડ તેમજ ગાંધીબ્રિજ અને ઇન્કમટેક્સ જેવા માર્ગોનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા અને ઘી-કાંટા વિસ્તારમાં ખાસ ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સારંગપુર, પાંચકુવા, અમદુપુરા તેમજ નિર્મલપુરા અને રખિયાલ વિસ્તારમાં પણ ટ્રાફિક રૂટ બદલવામાં આવ્યા છે. જે મુસાફરોને કાલુપુર રેલવે સ્ટેશન જવું હોય, તેમને મુશ્કેલીથી બચવા માટે સારંગપુર સર્કલવાળા માર્ગનો ઉપયોગ કરવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

નિયમોનું પાલન કરવા અમદાવાદ પોલીસની અપીલ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પવિત્ર તહેવાર દરમિયાન પોલીસ તંત્ર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક નિયમો અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરે અને વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરીને સહયોગ આપે. રથયાત્રાના સંવેદનશીલ અને મુખ્ય પોઇન્ટ્સ પર ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે, જેથી ટ્રાફિક ડાયવર્ઝનનું યોગ્ય અમલીકરણ કરાવી શકાય અને ક્યાંય પણ બિનજરૂરી જામની સ્થિતિ ન સર્જાય.

આ પણ વાંચોઃAhmedabad News: રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરમાં 177 કરોડના વાહનો વેચાશે