સ્માર્ટ સિટી અમદાવાદમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે મિશન મિલિયન ટ્રી જેવા મોટા ઉપાડે કાર્યક્રમો ચલાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ જાહેરાત એજન્સીઓની કમાણી ખાતર શહેરના લીલાછમ વૃક્ષો પર સરકારી આશીર્વાદથી કુહાડી ચલાવવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.
એસજી હાઈવેથી રિંગરોડ વચ્ચે વૃક્ષોનું ટ્રિમિંગ
શહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા એસ.જી. હાઈવેથી લઈને સરદાર પટેલ રિંગરોડ વચ્ચેના માર્ગો પર મોકાની જગ્યાઓએ મૂકવામાં આવેલા જાહેરાતના વિશાળ હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ વાહનચાલકોને સ્પષ્ટ દેખાય અને વૃક્ષોના કારણે ઢંકાઈ ન જાય તે માટે વૃક્ષોનું અવિચારી રીતે નિકંદન કાઢવામાં આવ્યું છે.નિયમ મુજબ માત્ર હળવું ટ્રિમિંગ કરવાની જગ્યાએ જાહેરાત બોર્ડનો વ્યૂ ક્લિયર કરવા માટે મોટા અને ઘટાદાર વૃક્ષોની ડાળીઓને મૂળમાંથી કાપી નાખવામાં આવી છે જેનાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર કૌભાંડમાં ચિત્રા પબ્લિસિટી નામની જાહેરાત એજન્સીનું નામ મોખરે આવી રહ્યું છે.આ એજન્સી દ્વારા અગાઉ પણ પોતાના હોર્ડિંગ્સ બચાવવા માટે આ પ્રકારે કાયદાનો અનાદર કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હતા જે બદલ ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી.
