અમદાવાદ જિલ્લાના બાવળા હાઈવે પર રજોડા સ્કૂલ નજીક એક હિટ એન્ડ રનની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.બાવળાથી ધજા સાથે અંબાજી પગપાળા જઈ રહેલા સંઘને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે પદયાત્રીઓને બાવળા સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં બંને પદયાત્રીઓનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે વાહન ચાલક સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
હાઈવે પર બનેલી હિટ એન્ડ રનની ઘટના
બાવળા હાઈવે પરથી પદયાત્રીઓનો સંઘ અંબાજી તરફ આગળ વધી રહ્યો હતો.આ સંઘમાં સામેલ પદયાત્રીઓ પરંપરાગત રીતે માતાજીની ધજા સાથે શ્રદ્ધાપૂર્વક પદયાત્રા કરી રહ્યા હતા.જ્યારે આ પદયાત્રી સંઘ બાવળા હાઈવે પર આવેલી રજોડા સ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે માર્ગ પરથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બે પદયાત્રીઓને જોરદાર અડફેટે લેતા બંને પદયાત્રીઓ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પામ્યા હતા.અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. હાઈવે પર બનેલી હિટ એન્ડ રનની ઘટનાને પગલે સંઘમાં સામેલ અન્ય યાત્રાળુઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
