ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝન વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં બે શક્તિશાળી વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી શકે છે. જો કે, રાહતની વાત એ છે કે વહીવટી તંત્ર કે નાગરિકોએ પૂર જેવી સ્થિતિથી ડરવાની જરૂર નથી, કારણ કે ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં હજુ પણ 31 ટકા વરસાદી ઘટ
હવામાન વિભાગના બુલેટિન અનુસાર, હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થયા છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે આગામી સમયમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ બનશે. આ વર્ષે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વરસાદ ખેંચાવાને કારણે અથવા ઓછો પડવાને કારણે રાજ્યમાં હજુ પણ સામાન્ય કરતાં 31 ટકા વરસાદી ઘટ નોંધાઈ છે. આ ઘટને પગલે ખેડૂતો અને જળાશયો માટે ચિંતા ઊભી થઈ હતી, પરંતુ હાલમાં સક્રિય થયેલી બે સિસ્ટમ આ વરસાદી અછતને અમુક અંશે પૂરી કરે તેવી આશા સેવાઈ રહી છે.
