ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાનું જોર સતત વધી રહ્યું છે. સાંજના 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યના કુલ 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે વરસાદની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વર્તાઈ રહી છે.
રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં વરસાદ
વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તારાજી જોવા મળી છે. એકલા અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 6.89 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, અમરેલીના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે: લીલિયામાં 4.59 ઈંચ, સાવરકુંડલામાં 3.7 ઈંચ અને ખાંભામાં ૩.૬૨ ઈંચ વરસાદ થયો છે.
અમરેલીના રાજુલામાં 6.89 ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ઉનામાં 4.53 ઈંચ, ગીર ગઢડામાં 4.29 ઈંચ અને કોડીનારમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના મહુવામાં 3.66 ઈંચ, વલ્ભીપુરમાં 3.46 ઈંચ, તળાજામાં 2.64ઈંચ અને જેસરમાં 2.48 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદે હાજરી આપી છે. ખેડાના ગળતેશ્વરમાં 3.19 ઈંચ, પંચમહાલના ગોધરામાં 2.05 ઈંચ, મહિસાગરના ખાનપુરમાં 2.36 ઈંચ, બાલાસિનોરમાં 2.01 ઈંચ અને વિરપુરમાં 1.93 ઈંચ વરસાદ થયો છે. જ્યારે અરવલ્લીના મેઘરજમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે અને પોર્ટ પર એલસી-૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.