અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા વાડજ વિસ્તારના રામાપીરના ટેકરા ખાતે હાલમાં સ્લમ રીડેવલપમેન્ટ (પુનઃવસન) પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે. આ યોજનાના ભાગરૂપે સેક્ટર-2 વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન નાખવા માટે ઊંડો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી રહી હતી.
અમદાવાદના વાડજમાં મોટી દુર્ઘટના ટળી
કામગીરી દરમિયાન શ્રમિકો ખાડાની અંદર ઉતરીને કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક માટીનો મોટો ઢગલો અને ભેખડ ધસી પડી હતી. આકસ્મિક રીતે ભેખડ ધસી પડવાના કારણે ત્યાં કામ કરી રહેલો એક શ્રમિક ક્ષણભરમાં જ માટીના કાટમાળ નીચે દટાઈ ગયો હતો. બનાવ બનતા જ આસપાસના અન્ય શ્રમિકો અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. શ્રમિક માટી નીચે દટાયો હોવાનું માલૂમ પડતાં જ સ્થાનિક રહીશોએ જરાય વિલંબ કર્યા વિના સ્વયંભૂ બચાવ કામગીરી હાથ ધરી હતી.
