એક જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવાના માનવતાવાદી હેતુસર રેલવે તંત્ર દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચના અંકલેશ્વરથી અમદાવાદ હૃદય પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રેનના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસને ખાસ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી. દર્દી સુધી સમયસર હૃદય પહોંચાડી શકાય તે માટે રેલવે વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રેન અને સ્ટેશન પર ગ્રીન કોરિડોર જેવો ખાસ વ્યવસ્થાપન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.
UN મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા હૃદય અમદાવાદ લવાયું
અમદાવાદ સ્થિત પ્રખ્યાત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા અંકલેશ્વરથી ઓર્ગન ડોનેશન મારફતે મળેલું હૃદય અત્યંત સાવચેતીપૂર્વક વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. હવાઈ સેવા કે માર્ગ પરિવહન કરતાં પણ ટ્રેન મારફતે ઝડપી અને સુરક્ષિત રીતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડી શકાય તે હેતુથી આ કદમ ઉઠાવાયું છે. તબીબી ટીમ ટ્રેનની અંદર હૃદયની સંપૂર્ણ સુરક્ષા અને જરૂરી ટેકનિકલ પરિમાણોનું ધ્યાન રાખી રહી છે.
