અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટનું કામ કરતી નિયતી જૈન નામની યુવતીને 9 મહિના પહેલાં રાજેશ ઉર્ફે રાજભા રાઠોડ નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી. રાજેશે પોતાની 'ક ખ ગ ઘ' નામની ગુજરાતી ફિલ્મનું પ્રમોશનનું કામ નિયતીને સોંપ્યું હતું અને બાદમાં પોતાની અન્ય 7 ફિલ્મોનું કામ આપવાની લાલચ આપી હતી. તેણે 100 કરોડના બજેટમાં ફિલ્મો બનાવવાની અને મોટી ઈવેન્ટ્સમાં હાજરી આપી જાણીતી સેલેબ્રિટીઓ સાથે વિડીયો બનાવી લોકો પર વટ પાડવાનું શરૂ કર્યું હતું.

અમદાવાદમાં બોગસ પ્રોડ્યુસરનો મોટો કારનામો

દરમિયાન નિયતીના પિતા નથી તે વાતની જાણ થતાં રાજેશે તેને પોતાની પુત્રી સમાન ગણાવી કૌટુંબિક સંબંધો કેળવી લીધા હતા. થોડા સમય બાદ રાજેશે પોતાની પાસે અમદાવાદ ઓથોરિટી (AUDA) ના પાછા ખેંચાયેલા આવાસ યોજનાના મકાનો હોવાનું કહી એક લાખ રૂપિયા ટોકન પેટે લીધા હતા.મકાન મેળવવામાં વિલંબ થતાં નિયતીએ પૂછપરછ કરી ત્યારે આરોપી રાજેશે પોતે ઔડાનો બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ આઈ.બી.નો નિવૃત્ત અધિકારી હોવાના નકલી આઈડી કાર્ડ અને દસ્તાવેજો બતાવી ભરોસો જીત્યો હતો. તેણે પોતાની પાસે સ્વિસ બેંકમાં રૂ. 3400 કરોડ હોવાની અને રાજકારણમાં મોટી પહોંચ હોવાની ખોટી વાતો કરી હતી.

સેલેબ્રિટીઓ સાથે રીલ્સ બનાવી ઔડાના મકાનોના ઠગાઈ

નિયતી અને તેની કામવાળી બહેન સહિત કુલ 12 જેટલા નિર્દોષ લોકો રાઠોડની વાતોમાં ફસાઈ ગયા હતા અને ઔડાના મકાન મેળવવા માટે રૂ. 24.50 લાખ આપી દીધા હતા.આરોપી તમામ લોકોને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મકાનો બતાવવા લઈ જઈ ટૂંક સમયમાં ફોન આવી જશે તેવી ખાતરી આપતો હતો. શંકા જતાં પૈસા પરત માંગતા તેણે આપેલા તમામ ચેકો બેંકમાં બાઉન્સ થયા હતા. ભોગ બનનારાઓએ ઔડા કચેરીમાં રૂબરૂ જઈ તપાસ કરતા રાજેશ રાઠોડ નામનો કોઈ ડિરેક્ટર ન હોવાનું બહાર આવ્યું હતું. પર્દાફાશ થતાં જ આરોપી ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો.

બનાવટી એફિડેવિટ અને બાઉન્સ ચેક આપી ઠગ ફરાર

વસ્ત્રાપુર પોલીસે નિયતી જૈનની ફરિયાદના આધારે રાજેશ રાઠોડ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી છે. પોલીસને શંકા છે કે આરોપીએ અન્ય ઘણા લોકો સાથે પણ આ પ્રકારનું કરોડોનું ચીટિંગ કર્યું હોઈ શકે છે.

આ પણ વાંચો: Morbi: વાંકાનેરના માટેલ રોડ પર રોલ સ્ટાર સિરામિકમાં ભીષણ આગ; 5 ફાયર ફાઇટર સ્થળ પર