અમદાવાદ શહેરમાં ફૂટપાથ પર અનેક પ્રકારે દબાણ થઈ ગયું છે. મનપાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કર્યા બાદ પણ દબાણોની સમસ્યા યથાવત જોવા મળી છે. ત્યારે શહેરમાં કરોડોના ખર્ચે 70 જેટલાં શાકભાજી માર્કેટ તૈયાર કરાયા હોવા છતાં ફેરિયાઓનું વેચાણ રસ્તા પર જ ચાલુ રહેતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને લારી અને માલસામાન જપ્ત કરવા સુધીની કાર્યવાહીનો આદેશ આપ્યો છે.જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજી વેચવા પર પ્રતિબંધ મૂકીને વેપાર માત્ર નિર્ધારિત માર્કેટ તથા નિયત સ્થળોએ જ કરવા સૂચના અપાઈ છે. 

ટ્રાફિક જામ અને રાહદારીઓને અવરજવરમાં હાલાકી

અમદાવાદના 48 વોર્ડમાં વોર્ડદીઠ બે વેજીટેબલ માર્કેટ બનાવવાનો ઠરાવ બે વર્ષ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરાયો હતો.અત્યાર સુધીમાં વિવિધ વોર્ડમાં 70 જેટલાં માર્કેટ તૈયાર કરવામાં આવ્યા છે.એક માર્કેટ પાછળ રૂ.બે થી ત્રણ કરોડ સુધીનો ખર્ચ કરાયો છે.જોકે,ફેરિયાઓ તેનો ઉપયોગ કરતા ન હોવાથી માર્કેટ ખાલીખમ રહ્યાં છે.જ્યારે રસ્તા પર શાકભાજીનું વેચાણ ચાલુ રહેતાં ટ્રાફિક જામ અને રાહદારીઓને અવરજવરમાં હાલાકીનો પ્રશ્ન યથાવત્ રહ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન પણ રસ્તા પરનાં દબાણો મુદ્દે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊઠ્યા હતા. 

દબાણો દૂર કરવા અવારનવાર તાકીદ કરી

દબાણો કેમ હટાવી શકાતાં નથી તેવી ટકોર સાથે હાઈકોર્ટે રોડ પર બેસીને શાકભાજી વેચતા ફેરિયાઓ સહિતનાં દબાણો દૂર કરવા અવારનવાર તાકીદ કરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ,કોર્પોરેશને પોલીસની મદદથી વિવિધ વોર્ડમાં રસ્તા પરનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.ફેરિયાઓને સમજાવીને તૈયાર કરાયેલાં માર્કેટમાં બેસીને વેપાર કરાવવાના પ્રયાસો પણ થયા હતા. આમ છતાં સૂચનાઓ અવગણીને રસ્તા પર વેચાણ ચાલુ રહેતાં હવે કડક કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે.સૂચનાનું ઉલ્લંઘન કરીને જાહેર રસ્તા કે ફૂટપાથ પર વેચાણ કરાશે તો તેને ગેરકાયદેસર દબાણ ગણવામાં આવશે.આવા કિસ્સામાં લારી અને માલસામાન જપ્ત કરવા ઉપરાંત આકરો દંડ ફટકારવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું, આગામી 3 દિવસ વરસાદની આગાહી