અમદાવાદ શૈક્ષણિક સંસ્થાઓની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના બનાવો યથાવત રહેતા, અમદાવાદમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરની નારાયણ ગુરુ કોલેજની બહાર વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મુખ્ય માર્ગ પર જ જાહેરમાં મારામારી થઈ હતી, જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.



ઈસ્કોનથી શિવરંજની રોડ પર બબાલ

આ ઘટના શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા ઈસ્કોનથી શિવરંજની તરફ જતાં રસ્તા પર બની હતી. નારાયણ ગુરુ કોલેજની બહાર જ વિદ્યાર્થીઓના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને એકબીજાને માર મારવા લાગ્યા હતા. મુખ્ય માર્ગ પર જાહેરમાં થઈ રહેલી આ મારામારીના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું. આ દરમિયાન અન્ય સાથી વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ મારામારી કોઈ અંગત અદાવતના કારણે થઈ હોવાની આશંકા છે.


વિદ્યાર્થીઓમાં વધતી હિંસા અંગે ચિંતા

શહેરની કોલેજો અને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે નાના-મોટા ઝઘડાઓમાં હિંસાનો માર્ગ અપનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પૂર્વે જ સેવન્થ ડે સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું, જેના પગલે સમગ્ર શહેરમાં ચિંતા ફેલાઈ હતી.  શૈક્ષણિક સંસ્થાઓની બહાર જાહેરમાં મારામારીના આ બનાવોને કારણે, વિદ્યાર્થીઓના વર્તન અને સુરક્ષાના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Follow us on: