વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અધર્મ પર ધર્મના વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા AES ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રાજ્યના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા અમદાવાદીઓએ આતશબાજી અને રાવણ દહનના દ્રશ્યો નિહાળ્યા હતા.

Vijayadashami festival celebrated in Gujarat

રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાવણ દહનની ઉજવણી

રાજકોટ શહેરમાં પણ વિજયાદશમીની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે રાત્રે 7.45 કલાકે ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાવણ દહન ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. અસત્ય પર સત્યના વિજયના આ પ્રતીક સમા આયોજનને નિહાળવા માટે રાજકોટના મોટી સંખ્યામાં નગરજનો રેસકોર્સ મેદાન ખાતે એકઠા થયા હતા.

Vijayadashami festival celebrated in Gujarat

સુરતના વેસુમાં 80 ફૂટ ઊંચા રાવણનું દહન

દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં પણ વિજયાદશમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુરતના વેસુ વિસ્તારમાં 80 ફૂટ ઊંચા રાવણ તેમજ 60-60 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સુરતમાં પરંપરાગત ધનુષ-બાણને બદલે રિમોટ કંટ્રોલ ટેકનોલોજીથી રાવણનું દહન કરાયું હતું. સુરતવાસીઓએ આ તકે સામાજિક દૂષણ એવા ‘ડ્રગ્સ રૂપી રાવણ’નું દહન કરવાનો સંકલ્પ લઈને સમાજમાંથી નશાબંધીનો સંદેશ આપ્યો હતો. આ ભવ્ય નજારો જોવા માટે હજારો સુરતીઓની મેદની ઉમટી પડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો