તહેવારોના માહોલ વચ્ચે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના ભરવાડી દરવાજા બહાર જાહેર માર્ગ પર ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલી અને તૂતૂ-મેંમેંએ ગણતરીની મિનિટોમાં જ અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આવેશમાં આવેલા અસામાજિક તત્વોએ છૂટાહાથે તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દેતાં બે નિર્દોષ લોકો ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ભારે તણાવનો માહોલ સર્જાયો હતો.

રોડ પર ફટાકડા ન ફોડવા બાબતે વિવાદ વકર્યો

સામાન્ય બોલાચાલી હિંસામાં પરિણમી: ભરવાડી દરવાજા બહાર જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાને લઈને અવરજવર કરતા વાહનચાલકો કે સ્થાનિકો સાથે બોલાચાલી શરૂ થઈ હતી. રોડ પર ફટાકડા ન ફોડવા બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. બોલાચાલી દરમિયાન એક જૂથના ઉશ્કેરાયેલા શખ્સોએ અચાનક તીક્ષ્ણ હથિયારો કાઢી સામા પક્ષ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા.આ જીવલેણ હુમલામાં બે યુવકોને પેટ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. બનાવ બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વિરમગામની સરકારી (સામુહિક આરોગ્ય) હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ત્યાં પ્રાથમિક સારવાર બાદ બંનેની હાલત અત્યંત નાજુક જણાતાં વધુ ગંભીર સારવાર માટે તાબડતોબ અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

વિરમગામ ટાઉન પોલીસની કાર્યવાહી

બનાવની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસ મથકનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ભરવાડી દરવાજા વિસ્તારમાં દોડી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો મેળવવાની તજવીજ હાથ ધરી છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.પોલીસે જીવલેણ હુમલો કરનારા આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.

આ પણ વાંચો: Kutch: ડમ્પર છોડાવવા લાખોનો તોડ કરનારા હેડ કોન્સ્ટેબલ પર ACB ત્રાટકી; 70 હજાર સ્વીકારતાં જ રંગેહાથ દબોચ્યા