ગુજરાતમાં સરકાર અને તંત્ર દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કેટલી દયનીય છે, તેની સાક્ષી પૂરતી એક અત્યંત શરમજનક ઘટના વિરમગામ તાલુકામાંથી સામે આવી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વિરમગામ તાલુકાના વણી ગ્રામ પંચાયત હસ્તક આવેલા ઇનાયતપુરા (નવાગામ) ગામની કફોડી હાલત સામે આવી છે, જ્યાં એક વૃદ્ધના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા ગાડી કે પાલખીને બદલે ટ્રેક્ટરમાં કાઢવાની ફરજ પડી હતી.
રસ્તાઓ પર પાણી ભરાતા અને કીચડના કારણે હાલાકી
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇનાયતપુરા ગામે રહેતા એક વૃદ્ધને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ જ્યારે મૃતદેહને સ્મશાનગૃહ લઈ જવાનો સમય આવ્યો, ત્યારે ગામના રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી અને ભારે કીચડના કારણે એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો જઈ શકે તેવી સ્થિતિ ન હતી. મજબૂર બનેલા પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હૈયે મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી હતી.

સ્મશાનમાં પાયાની સુવિધાઓનો અભાવ અને ગ્રામજનોનો આક્રોશ
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વણી પંચાયત હસ્તક આવતા આ ગામમાં લાંબા સમયથી પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને સ્મશાનગૃહમાં પણ સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલી પડે છે. સ્મશાનમાં માટી પુરાણ ન થવાને કારણે અને છાપરી કે અન્ય વ્યવસ્થાઓ ન હોવાથી અંતિમક્રિયા કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
https://twitter.com/sandeshnews/status/2083968560876167297
આ અતિ ગંભીર બાબતને લઈને ગ્રામજનોમાં વહીવટી તંત્ર અને સ્થાનિક પંચાયત સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વહેલી તકે ગામમાં સારા રસ્તા બનાવવામાં આવે અને સ્મશાનમાં પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.
આ પણ વાંચો - 3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ