અમદાવાદ ગ્રામ્યના વિરમગામ-બેચરાજી હાઇવે પર આવેલી ખાનગી કંપની દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વિરમગામના જુનાપાધર ગામ નજીક આવેલી 'રોકેટ ઇન્ડિયા' નામની ખાનગી કંપની દ્વારા કોઈપણ જાતની શુદ્ધિકરણ પ્રક્રિયા વગરનું ઝેરી અને દૂષિત કેમિકલયુક્ત પાણી સીધું જ આસપાસના વિસ્તારના ખેતરોમાં છોડી દેવામાં આવ્યું છે.

દૂષિત પાણીના કારણે ખેતરોમાં ઉભો પાક બરબાદ

કંપની દ્વારા છોડવામાં આવેલા આ કેમિકલયુક્ત ઝેરી પાણીને કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પરિણામે ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેલો મોંઘોદાટ ઉભો પાક બળીને ખાખ થઈ રહ્યો છે. કેમિકલના ભારે પ્રદૂષણને કારણે જમીનની ફળદ્રુપતા પણ નાશ પામી રહી હોવાની ગંભીર ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

Ahmedabad News: Chemical Water Released in Fields Destroys Crops in Viramgam

લેખિત-મૌખિક રજૂઆતો છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે

આ દૂષિત પાણીની સમસ્યા અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા સંબંધિત તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, જવાબદાર અધિકારીઓ કે તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે વિરોધ અને આક્રોશ વ્યાપી ગયો છે.

Ahmedabad News: Chemical Water Released in Fields Destroys Crops in Viramgam

ખેડૂતો દ્વારા કડક પગલાં અને વળતરની માંગણી

કેમિકલયુક્ત પાણીથી થયેલા ભારે આર્થિક નુકસાન બાદ હવે પીડિત ખેડૂતોએ આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. ખેડૂતોની માંગ છે કે રોકેટ ઇન્ડિયા કંપની સામે ત્વરિત અને કડક કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ખેતરોમાં ઝેરી પાણી છોડવાનું તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.


આ પણ વાંચો - Ahmedabad News : ગોતા સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર