અમદાવાદ શહેરમાં વરસાદી માહોલની વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં જ દૂષિત પાણીના કારણે નાગરિકો બીમારીનો ભોગ બની રહ્યા છે અને હોસ્પિટલો ઉભરાવા લાગી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, શહેરમાં ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેણે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.
ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસોનો રાફડો
જુલાઈના શરૂઆતના પંદર દિવસમાં જ શહેરમાં ઝાડા-ઉલ્ટીના અધધ 196 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ પાણીથી ફેલાતા ગંભીર તાવ એટલે કે ટાઈફોઈડના પણ 127 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. પૂર્વ અને મધ્ય ઝોન સહિતના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે આ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે. સામાન્ય નાગરિકો તાવ, નબળાઈ અને પેટના દુખાવા જેવી તકલીફો સાથે ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ તરફ દોડી રહ્યા છે.
