ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થયું છે. રાજ્યના ખૂણે ખૂણેથી ટ્રેક્ટર રેલી રૂપે ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરી હતી. આ દરમિયાન ખેડૂતોના આંદોલનને લઈને ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વીજ પોલ વળતર, MSP ગેરંટી અને ખેતી ખર્ચના મુદ્દે સરકાર સામે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે. આ આંદોલન દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કરતાં આંદોલન વધુ ચર્ચામાં આવ્યું છે. ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ સામે ખેડૂતોની નારાજગી જોવા મળી હતી. કેટલાક લોકોએ ખેડૂતોના નામે રાજકીય રોટલો શેકાવાનો આક્ષેપ કર્યો હતો.  


આંદોલન પાછળ અનેક મુદ્દાઓ જવાબદાર

ગુજરાતમાં શરૂ થયેલા ખેડૂત આંદોલન પાછળ અનેક મુદ્દાઓ જવાબદાર છે. જેમાં વીજ પોલ વળતર, MSP ગેરંટી અને ખેતી ખર્ચ સહિત ટેકાના ભાવની ખરીદીનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. આંદોલન કરી રહેલા ખેડૂતોની મુખ્ય પાંચ માંગણીઓ છે. જેમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન અને પોલ માટે યોગ્ય વળતર નથી મળતુ તે મળવું જોઈએ. જેમાં ખેડૂતોને કાયમી માસીક ભાડું પણ મળવું જોઈએ. કોઈ પણ ખેડૂતની મંજૂરી વિના કે બળજબરી પૂર્વક જમીન પચાવી લેવાનો ખેલ બંધ કરાવવો. ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી અને કપાસ સહિત તમામ ખેતી પાક માટે ભાવની સંપૂર્ણ ગેરંટી અને વ્યવસ્થા શરૂ કરવી. આ ઉપરાંત ખેતી માટે પૂરતી વીજળી અને પાણી આપવું. નકલી દવાઓ અને બિયારણનું વેચાણ અટકાવવું. તેમજ તેના કારણે થતાં નુકસાન સામે યોગ્ય વળતર પણ આપવું. 


ખેડૂતોએ રેલીમાં મીડિયાને શું કહ્યું?

રેલીમાં આવેલા ખેડૂતોએ રોષ ઠાલવતા મીડિયાને કહ્યું હતું કે, સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી. રાજ્યમાં ખેડૂતો ત્રાસવાદી હોય તેવું વર્તન થાય છે. ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે પણ આધારકાર્ડ રજૂ કરવું પડે છે. ખેતરમાં ખેડૂત આવે તો પોલીસના કાફલા ઉતારી દેવામાં આવે છે. પોષણક્ષમ ભાવની જગ્યાએ મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરમાં કોઈપણ મંજૂરી લીધા વિના જ વીજ પોલ ઉભા કરી દેવાય છે. જેના કારણે ખેતીને નુકસાન થાય છે. થોડા સમય પહેલા જ જેતપુરના ખેડૂતો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. ત્યાર બાદ આ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું.  

આંદોલનને ટેકો આપનાર કોંગ્રેસ શું કહે છે

કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી. બનાસકાંઠામાં એક વ્યક્તિને એક કરોડનું વળતર આપે છે. બીજાને એક લાખ વળતર આપે છે. બજાર કિંમત મુજબ સરકાર વળતર આપતી નથી. 2011ની જંત્રી પ્રમાણે વળતર આપવાની નીતિ અયોગ્ય છે. ગાંધીનગર હવે પ્રજા માટે નથી પણ મળતિયા અને ઉદ્યોગપતિ માટે હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતા લાલજી પટેલે કહ્યું હતું કે, ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ભરમાયા છે. તેમણે ખેડૂતોની લડાઈને ખોટા પાટે ચડાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. અમે ખેડૂતો માટે લડ્યા હતાં લડી રહ્યાં છીએ અને લડીશું પણ ખરાં. 


પાલ આંબલિયા અને ગોપાલ ઈટાલિયાનું નિવેદન

ગુજરાતમાં જે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે તેની પાછળ સૌથી મોટો મુદ્દે ખેડૂતોના ખેતરમાં નાંખવામાં આવતા વીજ પોલ અને જમીન સંપાદન છે. કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર ખેડૂતોની જમીનને બળજબરી પૂર્વક સંપાદિત કરીને પચાવી રહી છે. બીજી તરફ સરકારના મળતીયાઓની જમીનને બીન ખેતી કરીને એક મીટરના બે હજાર રૂપિયા ચૂકવાય છે. જ્યારે સામાન્ય ખેડૂતને માત્ર 20 રૂપિયા ચૂકવાય છે. વીજ કંપનીઓ પોલીસ કાફલા સાથે ખેતરમાં ઘૂસી જાય છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, અમે ટ્રાન્સમિશન લાઈન મુદ્દે વિધાનસભામાં મુદ્દા ઉઠાવ્યા છે. ખેડૂતોના મુદ્દે રાજકારણ નહીં કામનો હિસાબ આપો. ખેડૂતનો મુદ્દો વિવાદમાં ન ફેરવાય તે માટે યાત્રાથી દૂર રહ્યો છું.ખેડૂતોને ભવિષ્યના નુકસાનનું વળતર મળવું જોઈએ. વિધાનસભામાં ખેડૂતોના હકો માટે લડત ચાલુ રહેશે

રાજ્યમાં ખેડૂત આંદોલન વચ્ચે DyCm હર્ષ સંઘવીએ શું કહ્યું?

ગુજરાતમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગાંધીનગર કૂચ કરી રહ્યાં છે. ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે, મુખ્યમંત્રી હંમેશા લોકો માટે ઉદાર મનથી વિચારે છે. એમ ખેડૂતો માટે પણ ઉદાર મનથી તેઓ વિચારે છે. તેઓ બોલ્યા વિના જ ભૂતકાળના કે આજના પ્રશ્નોનો નિકાલ લાવે છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી



  • Follow us on: