અમદાવાદમાં વિધર્મીથી પીડિત મહિલાને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જ પરેશાન કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે પીડિતાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરીને પોતાની આપવીતી જણાવી સુસાઇડ કરવાની ધમકી આપી છે.ખુદ રક્ષકો જ છેડતી કરતા હોવાનો આક્ષેપ થતાં હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
સોશિયલ મીડિયા પર અયોગ્ય મેસેજ કરીને સતત દબાણ
અમદાવાદમાં અગાઉ વિધર્મીના ત્રાસમાંથી મુક્ત કરાવાયેલી યુવતી સાથે બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ જ અશોભનીય વર્તન શરૂ કર્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.પીડિતાના જણાવ્યા મુજબ,વિધર્મીના સકંજામાંથી મુક્તિ મળ્યા બાદ તેણે આ સંગઠન પર વિશ્વાસ મૂક્યો હતો.પરંતુ અહીં તેની સાથે અત્યાચારની નવી શરૂઆત થઈ હતી.પીડિતાનો આક્ષેપ છે કે ધર્મના નામે રક્ષણ આપનારા કાર્યકર્તાઓ દ્વારા જ તેની પાસે વારંવાર અભદ્ર માંગણીઓ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં બજરંગ દળના પ્રાંત સુરક્ષા હોદ્દેદાર સરોજ શુક્લા તેમજ અન્ય અગ્રણી હોદ્દેદારો સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યુવતીને માનસિક ત્રાસ આપી વિકૃત વીડિયો બતાવવામાં આવતા હતા અને સોશિયલ મીડિયા પર અયોગ્ય મેસેજ કરીને સતત દબાણ કરવામાં આવતું હતું.
યુવતીએ જાહેરમાં આત્મહત્યા કરવાની ગંભીર ચીમકી આપી
વિધર્મીઓથી દીકરીઓને બચાવવાનો દાવો કરતા રક્ષકો જ હવે ખુદ તેની છેડતી કરી રહ્યા હોવાના આરોપથી ભારે રોષ ફેલાયો છે.પીડિત યુવતીએ પોતાની દર્દનાક પરિસ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ કરીને પોતાની તમામ આપવીતી લોકો સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.સતત થતી માનસિક હેરાનગતિથી કંટાળીને આ યુવતીએ જાહેરમાં આત્મહત્યા કરવાની ગંભીર ચીમકી આપતાં વિવાદ વણસી ગયો છે.ધર્મના કહેવાતા ઠેકેદારો જ બચાવેલી દીકરીઓ પર ખરાબ નજર રાખતા હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ યુવતીએ કર્યો છે.પીડિતાએ વીડિયોમાં પોતાની સુરક્ષા અંગે પણ ગંભીર ભીતિ વ્યક્ત કરી છે.
હિન્દુ સંગઠનના આગેવાનો પણ હવે ખુલીને મેદાનમાં આવ્યા
આ વિવાદ સામે આવ્યા બાદ પીડિત યુવતીની વહારે આવેલા અન્ય કેટલાક હિન્દુ સંગઠનના આગેવાનો પણ હવે ખુલીને મેદાનમાં આવ્યા છે.આ અગ્રણીઓએ પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે પોલીસ સમક્ષ પહોંચીને સમગ્ર ઘટના અંગે લેખિત અરજી આપી છે.પીડિત યુવતીને સહાય કરવા બદલ આ આગેવાનોને પણ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.મદદગારોને ધમકી મળવા અંગે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ માંગણી કરી છે કે બજરંગ દળના પ્રાંત સુરક્ષા હોદ્દેદાર સરોજ શુક્લા સહિત તમામ જવાબદારો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવું કૃત્ય અટકે.
આ પણ વાંચોઃ Ahmedabad News:પાર્કિંગની પૂરતી સુવિધા આપો અથવા ટોઇંગ બંધ કરો, શહેરના વેપારીઓની તંત્ર સામે માંગ