અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર શ્રમિકના મોતની ગંભીર ઘટના સામે આવી છે. સેલા ઓડિટોરિયમ નજીક આવેલી 'મારવેલા' બાંધકામ સાઇટ પર આજે બપોરે કામગીરી ચાલી રહી હતી ત્યારે એક મજૂર 14મા માળેથી સીધો નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ અને સાઇટ સંચાલકોનો દાવો
મૃતક શ્રમિકની ઓળખ 28 વર્ષીય કેસરીલાલ મીણા તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને રોજગારી અર્થે અમદાવાદ આવ્યો હતો. આ દુર્ઘટના અંગે સાઇટના સંચાલકોએ એવો દાવો કર્યો છે કે તે સમયે 14મા માળે ફ્લોરિંગની કામગીરી ચાલી રહી હતી. જોકે, શ્રમિક કયા સંજોગોમાં અને કેવી રીતે નીચે પટકાયો તે અંગે તેમણે સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.

