અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુનાહિત તત્વો માથું ન ઊંચકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના તમામ ઝોનમાં એન્ટી-ક્રાઇમ ઓપરેશન તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત મોડી રાત્રે ઝોન-2 પોલીસ સબ-ડિવિઝનના એસીપી અને તમામ પીઆઈ (PI) સહિતના મોટા કાફલાએ પોતાના વિસ્તારોમાં સરપ્રાઈઝ નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે મધરાતે રસ્તાઓ બ્લોક કરી અને સંવેદનશીલ ગલીઓમાં કિલ્લાબંધી કરીને શંકાસ્પદ ઇસમો અને વાહનોનું એરટાઇટ ચેકિંગ શરૂ કર્યું હતું.
વાહન ચાલકો અને ભાડુઆતો સામે લાલ આંખ
આ આખી રાત ચાલેલા મેગા સર્ચ ઓપરેશનમાં પોલીસે હાઈવે અને આંતરિક રસ્તાઓ પરથી પસાર થતા કુલ 666 વાહનોને અટકાવીને તેમનું વેરિફિકેશન કર્યું હતું. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 21 વાહનચાલકોને સ્થળ પર જ મેમા આપીને રૂ. 16,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે કાયદેસરના કાગળો ન ધરાવતી 11 ગાડીઓને ડિટેઇન કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહનોના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવનારા 7 વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. બહારના રાજ્યો કે શહેરોમાંથી આવીને વસેલા લોકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે 84 ભાડુઆતોની ઓચંતી તપાસ કરાઈ હતી, જેમાંથી નિયમોનું પાલન ન કરનારા મકાનમાલિકો સામે 8 અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા.
