ડાંગ જિલ્લાના આહવા-વઘઈ રોડ પર વહેલી સવારે એક અત્યંત અરેરાટીભર્યો અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી એક કાર અચાનક ચાલકના કાબૂ બહાર જતાં માર્ગની રેલિંગ તોડીને સીધી નીચે વહેતી ખાપરી નદીમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકો પૈકી બે વ્યક્તિઓના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

વહેલી સવારે 4 વાગ્યે સર્જાયો અકસ્માત

મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના વહેલી સવારે આશરે 4 વાગ્યાના સુમારે આહવા-વઘઈ રોડ પર સ્થિત ખાપરી નદીના પુલ નજીક બની હતી. અકસ્માતમાં કારમાં સવાર સંદીપભાઈ ડામોર અને શૈલેષભાઈ ગરાસીયા નામના બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ક્રેનની મદદથી નદીમાંથી કાર બહાર કઢાઈ

નદીમાં પાણીનો પ્રવાહ હોવાથી અને કાર ઊંડાણમાં ખાબકી હોવાથી તેને બહાર કાઢવા માટે તાત્કાલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક શખ્સને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર ડાંગ પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabad News : મેડિકલ કોલેજમાં પ્રવેશના નામે મોટું ફ્રોડ, રૂ. 40 લાખમાં સીટ અપાવવાનો દાવો કરી બોગસ દસ્તાવેજો થમાવ્યા