ડાંગ જિલ્લાના આહવા–સુબીર રોડ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મહારાષ્ટ્ર પાસિંગની એક કાર ખીણમાં ખાબકતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.
રેલિંગ તોડી કાર ખીણમાં ખાબકી
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકે રોડ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં બનાવેલી રેલિંગ તોડીને ઊંડી ખીણમાં ખાબકી હતી. કાર ખીણમાં પટકાતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ અને 108ની ટીમ સ્થળ પર
અકસ્માતની જાણ થતાં જ સુબીર પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ લોકોને તાત્કાલિક સુબીર સી.એચ.સી. (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ સુબીર પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે અને કાર ચાલકની બેદરકારી સહિતના પાસાઓની તપાસ શરૂ કરી છે.