ડાંગ જિલ્લાના દુર્ગમ વિસ્તાર સુબીર તાલુકામાં આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે, જ્યારે છ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સુબીરથી મહાલ તરફ જતા માર્ગ પર દેહર ગામ નજીક બની હતી. મુસાફરો ભરેલી એક જીપ ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, જીપના ડ્રાઈવરે કોઈ કારણોસર વાહન પરનો કાબૂ ગુમાવી દેતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
સુબીર તાલુકામાં માર્ગ અકસ્માત
આ જીપમાં અંદાજે 20 જેટલા મુસાફરો સવાર હતા, જે તમામ મુસાફરો ઇશખંડી ગામના રહીશો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક બચાવ અને મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત છ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નાની-મોટી ઈજાઓ ધરાવતા અન્ય મુસાફરોને નજીકના સુબીર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (C.H.C.) ખાતે સારવાર આપવામાં આવી હતી.










