યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત જગપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળામાં માઈભક્તોનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે વીરપુરથી અંબાજી સુધીની પદયાત્રા કરી પહોંચેલા 9 નાનકડા બાળકોની અનોખી ભક્તિ અને અદમ્ય સાહસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 5 દીકરીઓ અને 4 દીકરાઓ સહિત કુલ 9 બાળ પદયાત્રીઓએ કઠિન માર્ગ પર પગપાળા ચાલીને માં અંબાના ધામ સુધીનું અંતર કાપીને નાની વયે ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રોજ 40થી 50 કિલોમીટરની પગપાળા યાત્રા, થાકેલા મોટા ભક્તો માટે બન્યા પ્રેરણા

માસૂમ વય ધરાવતા આ બાળકો દરરોજ અંદાજે 40 થી 50 કિલોમીટર જેટલું આકરું અંતર ચાલીને અંબાજી તરફ આગળ વધી રહ્યા હતા. પદયાત્રા દરમિયાન જ્યારે કડક તડકો કે થાકના કારણે મોટા અને વયસ્ક ભક્તો હિંમત હારી જતા કે થાકીને માર્ગમાં રોકાતા, ત્યારે આ માસૂમ બાળકોનો અદમ્ય જુસ્સો અને "જય અંબે"ના નારા જોઈને વડીલોમાં પણ નવું જોશ અને ઊર્જાનો સંચાર થતો હતો. આ બાળકોએ સમગ્ર માર્ગ દરમિયાન પોતાના સાહસથી અન્ય યાત્રાળુઓનો ઉત્સાહ સતત જાળવી રાખ્યો હતો.

અંબાજી પહોંચી મા અંબાના ચરણોમાં શીશ નમાવ્યું

દિવસોની કઠિન અને અથાક પદયાત્રા બાદ જ્યારે આ 9 બાળકો અંબાજી ધામ પહોંચ્યા, ત્યારે તેઓ સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. માં અંબાના સુવર્ણ શિખરના દર્શન કરીને બાળકોએ ધન્યતા અનુભવી હતી. નાની ઉંમરે બાળકોની આવી દ્રઢ શ્રદ્ધા અને ભક્તિભાવ જોઈને માર્ગ પરના તમામ ભક્તો અને સેવા કેમ્પોના આયોજકો પણ ભાવવિભોર બની ગયા હતા અને આ બાળ પદયાત્રીઓના જુસ્સાને મુક્ત મને બિરદાવ્યો હતો.

આ પણ વાંચો : Suratની શાંત સોસાયટીમાં પડદા પાછળ ચાલી રહ્યો હતો કયો કાળો કારોબાર? A.H.T.U ટીમના દરોડામાં મોટો ખુલાસો!