આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના શિવલિંગની ફ્રતે આવેલ થાળાને શુદ્ધ ચાંદીનું બનાવી અર્પણ કરવામાં આવ્યું હતું. તે થાળાની ચોરી થઈ જતા શિવ ભક્તોમાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે.


બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા ત્રિદેવોના સ્થાનક કોટેશ્વર ધામ એ પવિત્ર અને પૌરાણિક ધામ છે. કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ગત 4 ઓગસ્ટના રોજ રાજસ્થાનના જોધપુર નિવાસી પરિવારે શિવ રુદ્ર યજ્ઞ પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે ચાંદીનું થાળું મહાદેવજીના શ્રી ચરણોમાં અર્પણ કર્યું હતું. આ ચાંદીના થાળાથી શિવલિંગની શોભામાં વધારો થયો હતો.

અંબાજી મંદિરના વહીવટદાર સહિતના અધિકારીઓએ આ ચાંદીના થાળાનો સ્વીકાર કરી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. 18 કિલો વજનનું શુદ્ધ ચાંદીનું 21 લાખની કિંમતનું થાળું ગત મોડી રાત્રે કોઈ તસ્કરો ચોરી ગયા હતા. શિવલિંગ ફ્રતેનું થાળું ચોરાઈ ગયું હોવાની જાણ અંબાજી ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસને કરાતા અંબાજી પોલીસ સહિત મંદિરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ એફ્એસએલ સહિતની ટીમો દ્વારા તસ્કરોને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.


  • Follow us on: