પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પવિત્ર યાત્રાધામમાં માથાભારે તત્વો કોઈપણ ડર વગર નાગરિકોને લક્ષ્ય બનાવી રહ્યા છે. તાજેતરમાં અંબાજીમાં એક નિર્દોષ પરિવાર પર અસામાજિક તત્વોએ અચાનક તૂટી પડીને હિંસક હુમલો કરી દીધો હતો. છેલ્લા માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં જ સામાન્ય નાગરિકો પર હુમલાની આ બીજી ઘટના સામે આવતાં સ્થાનિકો તેમજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.
પરિવાર પર આડેધડ પથ્થરમારો
બનાવની મળતી માહિતી અનુસાર, અસામાજિક તત્વોએ કોઈ કારણોસર પરિવાર સાથે તકરાર કરી આડેધડ પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. આ સનસનાટીભર્યા હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા 1 કે 2 CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં માથાભારે તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને પરિવાર પર પથ્થરો ફેંકતા નજરે પડે છે. આ પથ્થરમારામાં પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
