ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામમાં એક ચિંતાજનક ઘટના બની છે. જ્યાં એક હડકવા ગ્રસ્ત ભેંસનું દૂધ પીધા બાદ ગામના લગભગ 32 જેટલા ગ્રામજનોએ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં જઈને હડકવા વિરોધી વેક્સિન મુકાવવી પડી છે. આ બનાવથી સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ગામના જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની એક ભેંસને થોડા દિવસો પહેલાં હડકવા ગ્રસ્ત કૂતરાએ કરડ્યું હતું.
ભેંસમાં હડકવાના લક્ષણોની પુષ્ટિ થઈ
કૂતરાના કરડવાથી ભેંસમાં ધીમે ધીમે હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. દરમિયાન ભેંસે એક બચ્ચાને જન્મ આપ્યો હતો અને કેટલાક ગ્રામજનોએ અજાણતામાં આ ભેંસનું દૂધ પીધું હોવાનું સામે આવ્યું છે. દૂધ પીધાના લગભગ ત્રણ દિવસ બાદ ભેંસનું મૃત્યુ થયું હતું. ભેંસના મોત બાદ કરાયેલી તબીબી તપાસમાં મૃત ભેંસમાં હડકવાના લક્ષણોની પુષ્ટિ થઈ હતી. જેના કારણે ગામમાં ખળભળાટ મચી ગયો હતો.













