અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અમરેલીના જાફરાબાદ તાલુકાના કડીયાળી, વઢેરા, રોહિસા, વડલી, દુધાળા, હેમાળ, નાગેશ્રી સહિતના ગામોમાં હળવા અને ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. અસહ્ય ઉકળાટ અને ગરમીથી કંટાળેલા લોકોને વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેને લઈ લોકોને ગરમીથી પણ રાહત મળી હતી. છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાનો માહોલ છવાયો હતો.
અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા
વરસાદના અભાવના કારણે ખેતરોમાં ઊભા પાક સુકાવવાનો ખેડૂતોમાં ભય હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાનો પણ ભય સતાવી રહ્યો હતો. જ્યારે આજે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું હતું. આ વરસાદથી પાકને જીવનદાન મળ્યું હતું. પાકોને જીવનદાન મળતા ખેડૂતોને પણ રાહત અનુભવાઈ હતી. આ વરસાદ માત્ર ખેતી માટે જ નહિ પરંતુ સ્થાનિક જળાશયો અને તળાવોમાં પણ પાણીનો નવો પ્રવાહ લાવશે.
અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર
જોકે આ વરસાદી ઝાપટા અપૂરતા હોવાથી ખેડૂતોમાં હજુ પણ વધુ વરસાદની આશા છવાઈ હતી. જેથી કરીને તેમના પાકને પૂરતું પાણી મળી શકે અને તેઓ સારો પાક ઉતારી શકે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા અને ભારે વરસાદની શક્યતા છે. વરસાદી માહોલને કારણે સમગ્ર વિસ્તારના લોકો ખુશ છે અને આશા કરી રહ્યા હતા કે આ વરસાદની સિઝન તેમને વધુ ફળદાયી નીવડે.