અમરેલીના લીલીયા રેન્જ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંહના હુમલામાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન પોતે લીલીયા રેન્જ ઓફિસે દોડી ગયા હતા. વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર એક સિંહને ટ્રાન્કિલાઈઝ કરીને પાંજરે પૂરી દીધો છે.
ઘટના સમયે સિંહો મેટિંગ પીરિયડમાં હતા
આ ગંભીર ઘટના પાછળના કારણો અંગે પ્રાથમિક વિગતો આપતા DCF ચિરાગ અમીને જણાવ્યું હતું કે, "ઘટના સમયે સિંહો મેટિંગ પીરિયડ (સંવનન કાળ) માં હતા. આ સમય દરમિયાન વન્યજીવો અત્યંત આક્રમક મૂડમાં હોય છે, તેથી એવી પૂરેપૂરી આશંકા છે કે કોઈ કારણોસર સિંહોની ઉશ્કેરણી થઈ હોય શકે છે."
ઊંડી તપાસ શરૂ
તેમણે કહ્યું કે વન વિભાગ દ્વારા હવે આ મામલે ખૂબ જ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે ઘટનાસ્થળે બરાબર શું બન્યું હતું અને કઈ પરિસ્થિતિમાં સિંહે માણસ પર હુમલો કર્યો.
વન્યપ્રાણીઓને હેરાન કરવા કે તેમની પજવણી કરનારા સામે કાર્યવાહી
ડીસીએફ દ્વારા આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરવા કે તેમની પજવણી કરવી એ વન્યજીવ અધિનિયમ હેઠળ ખૂબ જ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સિંહની પજવણી કે ઉશ્કેરણી કરવામાં આવી હોવાનું સામે આવશે, તો વન વિભાગ દ્વારા તેની સામે કાયદા મુજબ કડક હથિયાર ઉગામવામાં આવશે અને કડક કાર્યવાહી કરાશે. વન વિભાગે સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે જો ક્યાંય પણ સિંહ કે અન્ય વન્યજીવની પજવણી થતી જોવા મળે, તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.
આ પણ વાંચો---- Porbandar : માધવપુરના દરિયામાં તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર, લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ-કસ્ટમ એલર્ટ