અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા રોડ-રસ્તા પર વાહન ચાલકો પરેશાન થયા છે. માર્ગો પર નદી જેવુ વહેણ જોવા મળી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયુ છે. તંત્રએ પાણીનો નિકાલ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
ધાતરવડી નદીમાં ઘોડાપુર
અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ-2માં 20 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. એક સાથે 7 દરવાજા 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા ખાખબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોરણા સહીત નદી કાંઠાના ગામડા એલર્ટ કરાયા છે. અહીંના સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઇ રહી છે. નદીઓમાં નવા નીર આવતા તે બંને કાંઠે વહી રહી છે. ધાતરવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ નિર્માણ થઇ છે. પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. કારણ કે સમગ્ર જિલ્લામાં વરસાદ અવિરત શરુ છે.
બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ
અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાયુ છે. ખેતરોમાં વાવેલા પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ બનતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ધાતરવડી ડેમ-2ના 7 દરવાજા 3-3 ફૂટ ખોલાતા પરિસ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદના કારણે પાણીની આવક સતત શરુ છે. આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. તો સાથે જ ઉછેયા, રામપરા, હિંડોરણા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.









