અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં સિંહોના માનવ વસ્તી પર વધી રહેલા હુમલાને કારણે સીમ જ નહીં, હવે ગામડાઓમાં પણ લોકો રાત્રે સૂતા ડરી રહ્યા છે. સાવરકુંડલાના ઠવી ગામે ગત મોડી રાત્રે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સિંહે ગામની અંદર ઘૂસીને ઘરની ઓસરીમાં નિરાંતે સૂતેલા પશુપાલક યુવક પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. સિંહના આ હિંસક હુમલાથી આખું ગામ હેબતાઈ ગયું છે.
પશુપાલક યુવક રાત્રે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, ઠવી ગામે રહેતા રાજુ વાઘેલા નામના પશુપાલક યુવક રાત્રે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા. આ દરમિયાન શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો એક સિંહ અચાનક તેમના ઘર સુધી પહોંચી ગયો હતો અને ઓસરીમાં સૂતેલા રાજુ પર તરાપ મારી દીધી હતી.
યુવકે ચીસાચીસ કરી મુકી
સિંહે અચાનક હુમલો કરતા જ ગભરાયેલા પશુપાલકે લોહીલુહાણ હાલતમાં જોરજોરથી ચીસાચીસ કરવાનું શરૂ કર્યું હતું. યુવકનો અવાજ સાંભળી આસપાસના લોકો લાકડીઓ લઈને દોડી આવતા સિંહ પશુપાલકને છોડીને અંધારામાં નાસી છૂટ્યો હતો.
પગમાં અંદાજે 25 જેટલા ટાંકા આવ્યા
આ હિંસક હુમલામાં સિંહે પશુપાલક રાજુ વાઘેલાના પગને પંજા અને જડબા વડે પકડી લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટ્રીટમેન્ટ દરમિયાન તેના પગમાં અંદાજે 25 જેટલા ટાંકા આવ્યા છે.
સવા મહિનામાં હુમલાની 6 ઘટના
સ્થાનિક લોકોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ છે કારણ કે આ પંથકમાં છેલ્લા સવા મહિનામાં સિંહ દ્વારા મનુષ્યો પર હુમલો કરવાની આ છઠ્ઠી ઘટના છે. વારંવાર બનતી આ ઘટનાઓ છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : સાપુતારામાં સનરાઈઝ પોઇન્ટ પાસે પહાડો પરથી પથ્થરો ખાબક્યા, સાવચેતી સાથે મુસાફરી કરવાની અપીલ