અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામેનો તીવ્ર રોષ સામે આવ્યો છે. જાંબાળ ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં પડેલી અને વરસાદમાં પલળી ગયેલી તૈયાર મગફળીને સળગાવીને સરકાર સામે પોતાની વ્યથા અને આક્રોશ વ્યક્ત કર્યો છે. જાંબાળ ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં 7 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થઈ ગયો હતો અને ખેડૂતે મગફળી કાઢીને તેના પાથરા ખેતરમાં સૂકવવા માટે મૂક્યા હતા. જોકે, અચાનક આવેલા ભારે કમોસમી વરસાદને કારણે મગફળીના આ તમામ પાથરા સંપૂર્ણપણે પલળી ગયા હતા.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન
વરસાદના પાણીમાં પલળી જવાથી મગફળીની ગુણવત્તા બગડી ગઈ હતી અને તે ખેતીલાયક કે વેચાણલાયક રહી નહોતી. આખો પાક નષ્ટ થતાં અને વર્ષભરની મહેનત પાણીમાં જતાં ખેડૂત ભારે રોષે ભરાયો હતો. હતાશા અને આક્રોશમાં આવીને આ ખેડૂતે પોતાના ખેતરમાં પલળી ગયેલા તમામ સાત વીઘાની મગફળીના પાથરાને સળગાવી નાખ્યા હતા. ખેડૂતના આ પગલાથી માત્ર પાકનો જ નુકસાન થયું નથી, પરંતુ ખેડૂતોની વેદના અને લાચારીની પણ ઝલક જોવા મળી છે.










