અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા તાલુકાના 70 ગામના ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘ સામે હલ્લાબોલ કર્યો છે અને પોતાની પ્રબળ માગણીની રજૂઆત કરી છે. ત્યારે જોઈએ આ રિપોર્ટમાં ખેડૂતોની શું છે માગણીઓ?
70 ગામના ખેડૂતો સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘ કાર્યાલય પહોંચ્યા
સાવરકુંડલા તાલુકાના ખરીદ વેચાણ સંઘ સામે ખેડૂતોનો સૂત્રોચાર અને હલ્લાબોલનું કારણ એવું છે કે યુરિયા ખાતર ખેડૂતોને નહીં મળતા ખેડૂતો રજૂઆત કરવા ધક્કા ખાઈને કંટાળ્યા છે અને આખરે તાલુકાના 70 ગામના ખેડૂતો સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘ કાર્યાલય પહોંચ્યા છે અને પ્રમુખનો ઘેરાવ કરીને સૂત્રોચાર કર્યો છે અને ખાતર માટેની માગણી કરી છે. આ ઉપરાંત સાવરકુંડલા ડેપ્યુટી કલેક્ટરને આ બાબતનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
વરસાદે વિરામ લીધો હોવાના કારણે ખાતરની ખાસ જરૂરિયાત
ખેડૂતોનું માનીએ તો તાલુકા સંઘમાં યુરિયા ખાતરનો 50 ટન જેટલો જથ્થો હાજર હોવા છતાં ખાતરનું વેચાણ થઈ રહ્યું નથી, માહિતી એવી પણ છે કે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાઈસન્સ 15 દિવસથી કેન્સલ થયું હોવાથી આ વેચાણ બંધ કરવામાં આવ્યું હોવાનું પણ પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે. ત્યારે ખેડૂતોને હાલ વરાપ નીકળી હોય વરસાદે વિરામ લીધો હોય ખાતરની ખાસ જરૂરિયાત છે, ત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને ખાતર મળે તેવું ખેડૂતો કહી રહ્યા છે. જોકે આ બાબતે અન્ય કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી.









