અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા સિંહોની સુરક્ષાને લઈને વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. વન્યપ્રાણીઓ, ખાસ કરીને ગુજરાતની શાન ગણાતા સિંહ, સિંહણ અને સિંહબાળ પૂરની સ્થિતિમાં મુશ્કેલીમાં ન મુકાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.


અમરેલીમાં વન વિભાગ સિંહોની સુરક્ષાને લઈ એલર્ટ

ગઈકાલે રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ વિસ્તારના રામપરા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સિંહોના નિવાસસ્થાન ગણાતા આ રેવન્યુ અને ઉદ્યોગોના વિસ્તારોમાં પાણી ભરાતા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (CF) રામ રતન નાલાએ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિશેષ આદેશો આપ્યા છે.

વન્યપ્રાણીઓ સુરક્ષિત હોવાનો વનવિભાગનો દાવો

આ આદેશોના પગલે, શેત્રુંજી ડિવિઝનના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) વિરલસિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમો દ્વારા સિંહોના રહેઠાણવાળા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી વિશેષ પેટ્રોલિંગ અને સર્ચ ઑપરેશન વધારી દેવામાં આવ્યું છે. ટીમો દ્વારા રેવન્યુ વિસ્તારો અને ઉદ્યોગના પરિસરની આસપાસ સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગનો દાવો છે કે હાલમાં તમામ વન્યપ્રાણીઓ સુરક્ષિત છે અને પૂરની સ્થિતિમાં કોઈ પણ વન્યપ્રાણી મુશ્કેલીમાં ન મુકાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. વન વિભાગ સિંહોની સુરક્ષા માટે સતત એક્ટિવ રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

  • Follow us on: