સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં ખેત મજૂરી કરતા એક પરપ્રાંતીય મજૂરના એક વર્ષના બાળક પર જંગલી શિયાળે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
સાવરકુંડલામાં બાળક પર શિયાળનો હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ધાર કેરાળા ગામની સીમમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય દંપતી પોતાના એક વર્ષના બાળક પૂજન શિંગાળા સાથે ખેતરમાં સૂતા હતા. બપોરના સમયે અચાનક એક જંગલી શિયાળ ખેતર વિસ્તારમાં આવી ચડ્યું હતું અને ત્યાં સૂતેલા માસૂમ બાળક પર હુમલો કર્યો હતો.
શિયાળના હુમલામાં બાળકને ગંભીર ઇજા
શિયાળે બાળકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. બાળકની ચીસો સાંભળીને માતા-પિતા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં શિયાળ બાળકને ગંભીર રીતે ઘાયલ કરી ચૂક્યું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત ગંભીર રીતે ઘવાયેલા બાળક પૂજનને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાથી વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂરો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જંગલી પ્રાણીઓ દ્વારા માનવ વસ્તી અને ખેતરો તરફ હુમલાની ઘટનાઓ વધતા વન વિભાગ દ્વારા આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં બાળકની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી છે.