અમરેલી જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. અમરેલીના ધારી, સાવરકુંડલા અને ખાંભા સહિત અનેક પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સુકાઈ રહેલા પાકને જીવનદાન મળ્યું હતું. ધારી શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધારી સહિત ગીર વિસ્તારના ગઢિયા, વિરપુર, માધુપુર અને નાગધ્રા જેવા ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ખેડૂતોએ વાવેલા પાક જેવા કે કપાસ, મગફળી અને અન્ય પાકોને ખૂબ ફાયદો થયો છે.


42 દિવસ બાદ સાવરકુંડલામાં વરસાદ

લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે આજે મેઘરાજા મન મુકીને વરસ્યા ત્યારે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. સાવરકુંડલા પંથકમાં તો 42 દિવસના લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી. સાવરકુંડલા શહેર ઉપરાંત મતિયાળા, ભાડ અને કૃષ્ણગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે પાકને થતું નુકસાન અટક્યું છે અને ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે.

ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ખાંભા અને ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. દીવાન, સરાકડીયા, કોદીયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. આ વરસાદથી કપાસ અને મગફળીના મુરઝાતા પાકને નવજીવન મળ્યું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદના આગમનથી હવે ખેતીની સિઝન સારી રહેશે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ છે.


  • Follow us on: