અમરેલીમાં હડકાયા કુતરાઓનો આતંક ચરમ પર પહોંચ્યો છે. કુતરા કરડવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા ચકરાવા પરા ગામમાં હકડાયા કુતરાએ ચાર લોકોને બચકા ભરી લેતા ભયનો માહોલ સર્જાયો છે. હડકાયું કુતરું કરડવાના કારણે ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
કુતરાએ 4 લોકોને બચકાં ભર્યા
ઘટનાની મળતી વિગતો અનુસાર, ખાંભા તાલુકાના ચકરાવા પરામાં એક કુતરું હડકાયું થયું હતું. આ કુતરાએ 4 લોકોને બચકાં ભર્યા હતા. આ ચાર લોકોમાં બે બાળકો અને બે મહિલાનો સમાવેશ થાય છે. કુતરાએ બચકા ભરી લેતા ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલોના સગાએ શું કહ્યું?
ભોળાભાઈ ચાવડાના પુત્રને કુતરાએ બચકા ભરી લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમારા ગામમાં સાતથી આઠ લોકોને કુતરાએ બચકા ભર્યા છે. ગામલોકો દ્વારા આ કુતરાની શોધખોળ કરવામાં આવી રહી છે. ગામના રહેવાસી રામભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી અને મારી પત્નીને મારા ઘરની બહાર સવારના 9 કલાકના અરસા હડકાયા કુતરું કરડ્યું હતું, જે કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. મને ઘટનાની જાણ થતા હું પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. આ હડકાયા કુતરાને તાત્કાલિક પડી લેવું જોઈએ, જેથી અન્ય લોકો આનો ભોગ ન બને.
સ્થાનિકોમાં રોષ ફેલાયો
આ બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા, ત્યારે એક હકકાયું કુતરું અચાનક આવી ગયું હતું. આ કુતરાએ બાળકો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલા તેમને બચાવવામાં આવી પહોંચી હતી. જે દરમિયાન આ હડકાયા કુતરાએ ચારેય લોકોને બચકા ભર્યા હતા. જે બાદ ઘાયલ થયેલા લોકોને ખાંભા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. હડકાયા કુતરાને પકડવા માટેની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.