અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલી RKMM બોય્ઝ હાઈસ્કૂલ છેલ્લા પાંચેક વર્ષથી બંધ છે. એક સમયે જે બોય્ઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તે હાઈસ્કૂલમાં આજે જઈએ તો ભેકાર જોવા મળી રહ્યો છે અને ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય ગામોમાં કે શહેરમાં અભ્યાસ માટે જવા માટે મજબુર બન્યા છે.
બોય્ઝ હાઈસ્કૂલ આજે ખંઢેર બની ચુકી
નગરપાલિકાનો દરજ્જો ધરાવતું અમરેલી જિલ્લાના આ ચલાલા શહેરની મધ્યમાં આવેલી RKMM બોય્ઝ હાઈસ્કૂલ એક સમયે આ શહેરની શાન હતી. 500થી વધુ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજતી આ બોય્ઝ હાઈસ્કૂલ છેલ્લા પાંચેક વર્ષથી ભુત બંગલા જેવી ભેંકાર ભાસી રહી છે. વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોય્ઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. પરંતુ યોગ્ય જાળવણી અને ચલાલાના કમનસીબે આ બોય્ઝ હાઈસ્કૂલ આજે ખંઢેર બની ચુકી છે.
છેલ્લા પાંચેક વર્ષથી આ હાઈસ્કૂલ સંપૂર્ણપણે બંધ હાલતમાં
ચલાલા શહેરની RKMM બોય્ઝ હાઈસ્કૂલ એટલે કે રતીલાલ કેશવલાલ માવજી મહેતા હાઈસ્કૂલમાં એક સમયે ધોરણ 8થી 12ના 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો. પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી આ હાઈસ્કૂલ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડીંગ જર્જરિત અને જોખમી બની જતા વિદ્યાર્થીઓ અન્યત્ર અભ્યાસ માટે જવા મજબુર બન્યા છે. હવે પરિસ્થિતિ એવી છે કે આજે માત્ર ધોરણ 9 અને 10ના પચાસ જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે.
સ્થાનિક લોકો પણ ચલાલાની હાઈસ્કૂલની આ દયનીય સ્થિતિ જોઈ વ્યથિત
આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં બનાવવામાં આવેલા કોમ્પ્યુટર ક્લાસના ઓરડાઓમાં બેસાડવામાં આવે છે અને કમનસીબી જુઓ, પચાચેક વિદ્યાર્થીઓ માટે માત્ર બે જ શિક્ષકો છે. સ્થાનિક લોકો પણ ચલાલાની હાઈસ્કૂલની આ દયનીય સ્થિતિ જોઈ વ્યથિત છે. અમરેલી જિલ્લાનું ચલાલા શહેર ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડીયાનું હોમ ટાઉન છે. નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને આ શહેરના વિદ્યાર્થીઓ ગોપાલગ્રામ જેવા ગામડે, તેમજ ધારી અને અમરેલી અભ્યાસ માટે જવા મજબુર છે. સ્થાનિક લોકોની માગ છે કે આ બોય્ઝ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય.