અમરેલીના લીલીયામાં એસટી બસ પાણીમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. મોટા લીલીયાના ભોરિંગડા ગામે બસ પાણીમાં ફસાઈ છે. ગામ પાસે બની રહેલા કોઝવે ઉપરથી પસાર થતી વખતે અચાનક જ પાણીના પ્રવાહમાં એસટી બસ ફસાઈ ગઈ છે. જો કે સદનસીબે પાણી આવે તે પહેલા ડ્રાઈવર કંડક્ટર સહિતના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અમરેલી ગારીયાધારની બસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમરેલીના રાજુલામાં પશુઓ તણાયા
બીજી તરફ અમરેલીના રાજુલામાં પશુઓ તણાયા હોવાની ઘટના બની છે. હડમતીયા પાસે જોલાપુરી નદીમાં પશુઓ તણાયા છે. 15 જેટલા ઘેટા પાણીના પ્રવાહમાં તણાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને આ ઘોડાપૂરના કારણે 15 જેટલા ઘેટા પાણીમાં તણાયા હોવાની જાણકારી મળી રહી છે, જો કે 10 ઘેટાઓને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે.
અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ
ઉલ્લેખનીય છે કે અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે નાવલી નદી ઉપર આવેલો ચેકડેમ પાણીથી છલકાયો છે. ભારે વરસાદને પગલે નાવલી નદીમાં પૂરની સ્થિતિ છે. વીજપડી ગામે છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાવરકુંડલામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ચેકડેમો છલકાયા છે. ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે.









