અમરેલી જિલ્લામાં આ વર્ષે ધનતેરસ સુધી હીરાના કારખાનાઓ ધમધમતા રહેશે અને કાળી ચૌદશથી અગિયારસ દેવદિવાળી સુધીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
ગયા વર્ષે હીરાના કારખાનાઓ વહેલા બંધ થઈ ગયા હતા અને ફરીથી ક્યારે ખૂલશે તે નક્કી નહોતું તેના બદલે આ વખતે લેબગ્રોન ડાયમંડના કારણે અમેરિકન ટેરિફની અસર હોવા છતાં પણ પરિસ્થિતિ બદલાઈ છે. વેકેશન પહેલા ચૂકવણા શરૂ થતા જ હજારો રત્ન કલાકારોની દિવાળી સુધરશે.
અમરેલીમાં 970 હીરાના કારખાના આવેલા છે, એમાં 47 હજાર કરતા પણ વધારે રત્નકલાકારો કામ કરે છે. આ ઉપરાંત લાખો રત્ન કલાકારો સુરતમાં સ્થાયી થયા છે અને હીરા ઉદ્યોગ સાથે જોડાયલા છે. તેમના પરિવારના લોકો આજે પણ અમરેલી જિલ્લામાં વતનમાં રહે છે. ર0ર4માં પણ દિવાળી પહેલા ઘણા વહેલા કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને તે પછી મહિના પછી પણ ખૂલ્યા નહોતા. આ વખતે લેબગ્રોન ડાયમંડના કારણે પરિસ્થિતિ અલગ છે. જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, આ વખતે ધનતેરસ સુધી હિરાના કારખાનાઓ ધમધમશે. તા.19ના કાળી ચૌદશથી 1ર કે 1પ દિવસનું જ વેકેશન જાહેર કરાયું છે. અમુક કારખાનાઓ તો લાભ પાંચમથી પણ ખૂલી જશે. સામાન્ય રીતે વેકેશન તુલસી વિવાહ એટલે કે અગિયારસ સુધીનું છે. આ વખતે સુરતમાં પણ 18 સુધી કારખાનાઓ શરૂ રહેવાના છે પછી વેકેશન પડશે. આથી રત્ન કલાકારો પણ સુરતથી વતનમાં મોડા આવશે અને મોટાભાગના કારખાનાઓ વહેલા શરુ થઈ જવાના હોવાથી વહેલા ચાલ્યા જશે.