અમરેલી જિલ્લાના ખાંભા-ગીર વિસ્તારમાં છેલ્લા છ દિવસથી પડી રહેલા અનરાધાર કમોસમી વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને જિલ્લાનો રાયડી ડેમ છલકાઈ ગયો છે. ખાંભા ગીરના ગામડાઓમાં અવિરત વરસાદના પરિણામે રાયડી ડેમ તેની સપાટી વટાવી ગયો છે. રાયડી ડેમ છલકાઈ જતાં ડેમનું પાણી છોડવા માટે બે દરવાજા બે-બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.


સતત વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાયો

વહીવટી તંત્ર દ્વારા ડેમ નીચેના વિસ્તારના ગામોને તુરંત એલર્ટ કરવામાં આવ્યા છે. મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, અને મીઠાપુર સહિતના ગામોને નદીના પટમાં કોઈ પણ પ્રકારની અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.ખાંભા ઉપરાંત અમરેલીના અન્ય તાલુકાઓ પણ વરસાદની ઝપેટમાં છે.જાફરાબાદ અને રાજુલા બાદ હવે સાવરકુંડલા તાલુકાના પીઠવડી, મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, શેલણા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે.

રાયડી ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

 ખાંભા ગીરમાં ત્રાકુડા, શ્યામ ગઢ, મોટા બારમણ, અને નિંગાળા સહિતના ગામોમાં વરસાદ ચાલુ છે.  શ્યામ ગઢની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.સતત છ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. તૈયાર થયેલા મગફળી અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.

  • Follow us on: