અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદથી નડિયાદ વચ્ચે આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સુરતથી રાજસ્થાન જવા નીકળેલી સાઈ દર્શન ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ એક્સપ્રેસ હાઈવે પર ઓવરટેકિંગ લેનમાં જઈ રહી હતી તે દરમિયાન આ ભયાનક દુર્ઘટના ઘટી હતી.મોડી રાતનો સમય હોવાથી બસના મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા.

અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા
આ અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે.જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ઘટનાની ગંભીરતા જોતા આણંદ ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.તમામ ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતથી મુસાફરોમાં ભારે ગભરાટ અને ચીસાચીસ થઈ ગઈ હતી.

કેટલાક દર્દીઓને અમદાવાદ સિવિલમાં રિફર કરાયા
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.જ્યારે હાલ એક ઈજાગ્રસ્ત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહેલી સવારે બનેલી આ કરુણ ઘટનાને પગલે મુસાફરોના પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.